Showing posts with label રઇશ મણિયાર. Show all posts
Showing posts with label રઇશ મણિયાર. Show all posts

જો નિહાળું હું કદી ચહેરા સતત


જો નિહાળું હું કદી ચહેરા સતત,
ને મને દેખાય છે ડાઘા સતત.
હાથથી રેતી ખરી તો જાણ થઇ,
હાથમાં વહેતા નથી દરિયા સતત.  
પંખી માટે જિંદગીભર ઝૂરનાર
સાંભળી શકતા નથી ટહુકા સતત
માણસોને હું મળી શકતો નથી,
રોકી રાખે છે પડછાયા સતત.
દાવ સંકેલી ઊઠે તું, પછી -
જિંદગી તો ફેંકશે પાસા સતત.
મૌનમાં ડૂબી રહ્યો છું દમ--દમ,
શબ્દના નીકળે છે પરપોટા સતત
.

રોજ એ જગથી કશું જૂદું જ કરવા જાય છે - Comedy Poem


રોજ જગથી કશું જૂદું કરવા જાય છે,
ગોલ્ફના મેદાનમાં બિલિયર્ડ રમવા જાય છે.
હું કદી એને શિખામણ કે સલાહ આપું નહીં,
કે વધુ બગડે છે જ્યારે સુધરવા જાય છે.
ત્રણ વેળા એક પિક્ચર જૂએ છે મોજથી,
જાય છે ચોથી વખત ત્યારે સમજવા જાય છે.
આમ ઝઘડાળુ નથી પણ ખાય છે દરરોજ માર,
બે જણા ઝઘડે છે ત્યારે વચ્ચે પડવા જાય છે.
રહે મૂડલેશ સાહિત્ય જગનાં હિતમાં છે,
મૂડમાં આવે છે ત્યારે કાવ્ય લખવા જાય છે.
પ્રેમ પ્રાણીમાત્ર પર છે એને દર્શાવવા,
શાંત સૂતા આખલાને અડકવા જાય છે.
-ડૉ.રઈશ મનીઆર

એકવેળા આપને મેં દઈ દીધેલું દિલ


એકવેળા આપને મેં દઈ દીધેલું દિલ, હજુયે યાદ છે
ને પછી ભરતો રહયોતો હોટેલનાં બિલ, હજુયે યાદ છે
પ્રિયતમ! હા,તારા ચહેરા પર હતા ખિલ હજુયે યાદ છે
મારા પૈસે તેં ઘસી બેફામ ક્લેરેસીલ હજુયે યાદ છે
સાયકલ અથડાવીને સોરી કહ્યાની સ્કીલ હજુયે યાદ છે
ને પછીથી સાંપડેલી સેન્ડલોની હીલ હજુયે યાદ છે
માનતોતો હું કે પૈંડા બે છે સંસારરથનાં હું ને તું
ને પાડોશમાં હતા તારાં ઘણાં સ્પેરવ્હીલ હજુયે યાદ છે

શબ્દો રહ્યા રમત રહી


શબ્દો રહ્યા રમત રહી, ને એક લત રહી
ખોયો મિજાજ સત ગયું, બસ શેરિયત રહી
ભીડાયેલી હથેળીઓમાં થોડી બચત રહી
પણ આંગળીઓ જિંદગીભર જડભરત રહી
હેતુ ભુલાયો, શત્રુની ઓળખ નહીં રહી
શસ્ત્રોય બૂઠાં થઇ ગયાં તોપણ લડત રહી
બસ ફેરવી નજર જેને લોકો ભૂલી ગયા
હાથોમાં કાવ્યની એક હસ્તપ્રત રહી
વરસાદ મન મૂકીને વરસતો રહ્યો સતત
ખારાશ સાગરોની છતાં પૂર્વવત રહી
જીવી શક્યા નહીં તો ગઝલમાં ભરી લીધી
ક્ષણ ક્ષણને માણવાની રમત કારગત રહી

થોડો ભગવાએ રંગ રાખ્યો


થોડો ભગવાએ રંગ રાખ્યો છે,
થોડો માયાએ રંગ રાખ્યો છે.
થોડો ફૂલોનો, થોડો પંખીનો,
પતંગિયાએ રંગ રાખ્યો છે.
મારા ખડિયામાં બૂંદ રક્તનું છે,
ટીપાએ રંગ રાખ્યો છે.
મેઘ જ્યારે હતો, ધનુષ ક્યાં હતું ?
થોડા તડકાએ રંગ રાખ્યો છે.
હું જાણું, પીંછી જાણે છે-
કઇ જગ્યાએ રંગ રાખ્યો છે.
રંગથી પર છે મૌન મારુંરઇશ
મારી ભાષાએ રંગ રાખ્યો છે

પન્નીને પહતાય તો કે’ટો ની

પન્નીને પહતાય તો કેટો ની.
વાહણ જો અથડાય તો કેટો ની.
અમના તો કેટો છે કે પાંપણ પર ઊંચકી લેમ.
પછી માથે ચડી જાય તો કેટો ની.
અમના તો પ્યાર જાણે રેહમની ડોરી.
એના પર લૂગડાં હૂકવાય તો કેટો ની.
એની આંખોના આભમાં પંખીના ટોળાં…”
પછી ડોળા દેખાય તો કેટો ની.
હમ, ટુમ ઔર ટન્હાઇ, બધું ઠીક મારા ભાઇ
પછી પોયરાં અડ્ડાય તો કેટો ની
.

ન પેપ્સી ન થમ્સઅપ ન તો કોક ભાવે


પેપ્સી થમ્સઅપ તો કોક ભાવે,
રઈસ તો વીતેલા મિલેનિયમનો માણસ,
ઉકાળો મળે જો તરત ગટગટાવે,
રઈસ તો વીતેલા મિલેનિયમનો માણસ.
કુરિયર એસટીડી તો ફેક્સ્ કરતો,
પેજર મોબાઈલ થકી ખુબ ડરતો,
પગે ચીઠ્ઠી બાંધી કબુતર ઉડાવે,
રઈસ તો વીતેલા મિલેનિયમનો માણસ.
ના હોન્ડા ના સેન્ટ્રો ના ઓપેલ ઍસ્ટ્રા,
ના ઍસ્ટીમના ફ્રેન્ડ, ફ્ર્ન્ટી કે ઉનો,
બળદગાડું એને હજુ પણ લુભાવે,
રઈસ તો વીતેલા મિલેનિયમનો માણસ.
રાની કાજોલ ટ્વિન્કલ તબ્બુ,
કરિશ્મા નહીં ને રવિના કદિ નહીં,
હજુ એને નરગીસ સપનામાં આવે,
રઈસ તો વીતેલા મિલેનિયમનો માણસ
.

ઉમટ્યો ગઝલના ગામમાં


ઉમટ્યો ગઝલના ગામમાં વાદળ થયા પછી,
જાઉં તો પાછો જાઉં હવે જળ થયા પછી.
એના ભવનમાં ખૂબ ધીરેથી જવાય છે,
આવ્યો મને ખ્યાલ ઉતાવળ થયા પછી.
મારી સૌ અંધારી ગુફાઓ ને કંદરા,
દેખાવા માંડી ખુદ મને ઝળહળ થયા પછી.
વિહવળતા જીરવી શકું બળ મને મળે,
હા, સ્વસ્થ થઇ શકાય છે વિહવળ થયા પછી.
વિસ્તાર પામશે તું સમેટાઇ જો શકે,
તું યુગ બની શકે છે પ્રથમ પળ થયા પછી.
બહુ નજીક છે, છતાં જાણું છું હુંરઇશ’,
સ્પર્શી શકાય પુષ્પને ઝાકળ થયા પછી
.