માતાનો પત્ર દીકરાને

                                                   માતાનો પત્ર દીકરાને

       શિયાળામાં સવારે અજવાળું થોડું મોડું થાય છે. સખીને સવારની સ્કૂલ છે એ માટે મારે તેની શાળાના સંચાલકોનો આભાર માનવો રહ્યો. રાખીને સ્કૂલે મૂકવા જાઉં ત્યારે આકાશ હજી તો લાલ હોય છે. પૂર્વમાં સૂરજ માંડ-માંડ ઊગ્યો હોય અને વાતાવરણમાં એકદમ ઠંડક હોય. રસ્તામાં આવતો બગીચોં સવારે ઊઠીને ચાલવા આવતા લોકોથી ભરાઈ ગયો હોય. બગીચાની બહાર મસ્કાબન, ખીચું અને બટાટાપૌઆની લારીવાળા ગોઠવાઈ ગયા હોય. મારું ઘ્યાન તો ગાડી ચલાવવામાં હોય પણ સખી તો સતત આકાશ સામે જ જોતી હોય. રસ્તાની એકબાજુ આવેલા ઝાડ ઉપરથી પક્ષીઓનું એક મોટું ટોળું ઊડે અને આકાશમાં એકસરખી ગતિથી ઊડતા-ઊડતા અનોખી ભાત રચીને સામેની બાજુના ઝાડ પર જઈ બેસે. એ સાથે જ બીજા ઝાડ પરથી પક્ષીઓનું બીજું ટોળું ઊડે અને એ ય એકસરખા લયમાં ઊડતા ઊડતા એકબાજુથી બીજી બાજુ એમ આકાશમાં ફંગોળાતું રહે. કોઈ કોઈવાર તો પક્ષીઓનું ટોળું અમારી ગાડીની સાથે સાથે જ ઉડતું રહે અને જાત-જાતની આકૃતિ રચતું રહે. સખી નાની બાળકીની જેમ તાળી પાડી ઊઠે અને રસપૂર્વક આકાશમાં જોયા કરે. કોઈવાર જો પાંચેક મિનિટ વહેલા નીકળ્યા હોઈએ તો હું રસ્તાની એકબાજુ ગાડી ઊભી રાખી દઉં અને પછી અમે બન્નેય ત્યાં ઊભા ઊભા એ સુંદર સવારનો લહાવો લઈએ. વિચારું છું કે આપણું ખૂબ બઘુ કામ અને ઢગલો જવાબદારીઓ આપણી પાસેથી આ નાના-નાના આનંદ કેવા ખૂંચવી લે છે! શિયાળાની સવારે યા તો આપણે વહેલા ઊઠતાં જ નથી અને જો ઊઠીએ છીએ તો છાપાના એ જ જૂના વાસી સમાચારમાં આંખો ખોલીએ છીએ. સામાન્ય વસ્તુઓથી આપણે ખુશ થતા જ નથી. ખુશ થવા માટેની આપણી શરતો આકરી છે. આપણા કાન પક્ષીઓના કલરવની યા તો નોંધ જ લેતા નથી અને જો લે છે તો એનાથી આપણને કોઈ આનંદ મળતો નથી. આપણને તો ઘોંઘાટિયું તબલાતોડ સંગીત જ આનંદ આપે છે. સવારના ઊગતા સૂરજની લાલિમા ડોકું ઊંચું કરીને છેલ્લે ક્યારે જોઈ હતી કેટલાને યાદ હશે? મોડીરાત સુધી જોયેલા ટીવીના કાર્યક્રમો જ આંખને ખુશી આપે છે. ફૂલોની સુગંધથી આપણી ઘ્રાણેન્દ્રીય ધીમે-ધીમે અપરિચિત થતી જાય છે. હવે ફૂલોની સુગંધ બાટલીમાં બંધ થઈને વેચાય છે. આપણા નાકને મોંઘા ડિયોડરન્ટ અને સ્પ્રે. પરફ્‌યુમની ટેવ પડી છે. લાગે છે કે ધીમે ધીમે આપણે કુદરતથી દૂર જઈ્રહ્યાં છીએ. બેટા, ઇશ્વરે નાનામાં નાની ચીજોને અદ્‌ભુત સૌંદર્ય બક્ષ્યું છે. માત્ર આપણી આંખને એને જોવાની ટેવ પાડવી પડશે. જ્યારે મન અશાંત હોય અને બુદ્ધિએ વિચારવાનું છોડી દીઘું હોય ત્યારે કોઈક તળાવના કિનારે જઈને બેસજે. પાણીમાં તરતી નાની નાની રંગબેરંગી માછલીઓ મનને શાંતિ આપશે. પોતાના સ્વજનના કે મિત્રના કોઈ વર્તનથી માઠું લાગ્યું હોય તો સાંજના સમયે કોઈ બગીચાના બાંકડે જઈને બેસજે. નાના નિર્દોષ ભૂલકાંઓના કલબલાટથી તારો સૂનકાર ભરાઈ જશે. સવારના પહોરમાં લીલા ઘાસ ઉપર ખુલ્લા પગે ચાલવાનો આનંદ કેવો અનેરો છે? ઝાકળના પાણીથી ભીનું થયેલું ઘાસ જ્યારે પગના તળિયાને સ્પર્શે છે ત્યારે જે અનુભૂતિ થાય છે તેનું શબ્દોમાં વર્ણન મુશ્કેલ છે. ડામરની અજગર જેવી કાળી સડકોએ પાણી છાંટેલી ભીની માટીમાંથી ઊઠતી સોડમને તો ક્યારનીય ભુલાવી દીધી છે. પણ ઘર આંગણે ઊગતા કોઈપણ દસ ફૂલોની સુગંધને આંખો બંધ કરીને જો પારખવાનું કહેવામા ંઆવે તો કેટલા સાચા ઠરશે? ધોધમાર વરસાદમાં ભીંંજાવાથી શરીર અને મનને જે સુખ મળે છે એ દુનિયાની કોઈ જાકુઝી કે શાવરની પેનલ નથી આપતી. ઉનારાની બપોરે રસ્તાની એકબાજુ ઊગેલા લાલચટક ફૂલોવાળા ગુલમહોરનનો ઠસ્સો કેવો હોય છે? ગુલમહોરના એ ફૂલોની સુંદરતા કોઇકવાર ગુલાબને ય ટપી જાય છે.
બેટા, તું હંમેશાં તારાં આંખ, કાન, ખુલ્લાં રાખજે. કુદરતના સાંનિઘ્યમાં રહેજે. હંમેશાં નાની અને સાદી બાબતોમાં સુખ જેને મળે છે તે જ માણસ સાચા આનંદનો અનુભવ કરી શકે છે. કુદરતનો હાથ જ્યાં-જ્યાં ફર્યો છે તે સઘળું નખશિખ સુંદર જ છે. આપણે માત્ર દ્રષ્ટિ કેળવવાની છે. પ્રભુએ તો ક્યાંય કંજુસાઈ કરી જ નથી. તું એની ઉદારતાનો અનુભવ કરજે અને ઇશ્વરની એ દરિયાદિલી માટે એનો આભાર માનવાનો ચૂકીશ નહીં.
- તારી મમ્મી

No comments: