સંસ્કારનો કરિયાવર


મમ્મી તમે ડુસકા ને સંતાડી ભીની આંખે મને એક પત્ર આપ્યો હતો..

એક એક શબ્દ હજી ગાંઠ બાંધી રાખ્યો છે....

દીકરી... આજે તું એક નવા ઘરની વહુ-ગૃહણી-ગૃહલક્ષ્મી થઇ કંકુ પગલા પાડીશ...
ત્યારે... કાળજા ના કટકાને કહેવું પણ શું ?
તું ખુબજ સમજદાર છે બેટા એ હું જાણું છું...
બેટા, નવા ઘરે નવી જવાબદારીઓ આવશે...
જવાબદારી "ભાર'" માનીને નહિ, "આભાર" માનીને ઉપાડિયે તો કંટાળો કે થાક નથી લાગતો.
બેટા, તારા પરિવારની તારા નવા ઘરની પણ પરંપરા હશે જેમ અહી આપણા ઘરે છે.
પરંતુ કેટલીક વાતો જુદી ય પડાવની,
તને હાફૂસ ભાવે ને તારા પરિવાર ને કેસર, એવું બનવાનું...
ઉત્સવ ની ઉજવણી, રિવાજોની જાળવણી,
રસોઈ ની રીત, સ્વાદ ના આગ્રહો બધું જ જુદું હોય, હોય શકે.
અહીનું બધું ભૂલી જવાનું એમ નથી કહેતી...
અને ત્યાનું બધુ સાચું જ છે એવું પણ નથી કહેતી..
પણ બેટા, તારી સમજદારીથી તું થોડું અપનાવજે...
તારે થોડું છોડવું પણ પડશે.... અને કેટલુક તો તું જાતે જ ભૂલી જઈશ...!!
દીકરી આમાંનું કશુંય થોડા સમય માં ન જ થાય. સમય લાગશે.
આ સમય ખુબજ મહત્વ નો ભાગ છે તારા નવા જીવન ની શરૂઆત માં...
તું અરસ પરસ સમજણ અને સંયમ થી રહેજે.
કુંવારા હોઈએ ત્યારના તારા સમય પત્રક ને પરણ્યા પછી હવે તારે જાતેજ બદલવું પડશે.
બેટા, હું જાણું છું જીંદગી ના પાઠ જીવતા જીવતા જ શિખાય.
આમ પત્ર વાંચી લેવાથી ન આવડે.ઘણીવાર તો પરિક્ષા સમયે વાંચેલું પુસ્તક પણ યાદ ન આવે,
એવું બને... છતાંય પાઠ્યપુસ્તક જરૂરી તો છે જ.
આ પત્ર તને કદાચ એ અર્થમાં કામ લાગશે. એવી મને શ્રધ્ધા છે.

ખુબજ સુખી થા અને અન્ય ને સુખી કરજે...બેટા..
- તારી મમ્મી


અને.... હું તમારો આપેલો સંસ્કાર નો કરિયાવર લઇ પહોચી ગઈ...
નવું ઘર.. નવું આંગણું...
મારા સમગ્ર અસ્તિત્વ ને ઉખેડી નવા આંગણે એવી રીતે રોપ્યું
જાણે પહેલેથી જ અહીજ ખીલ્યું હોય મહોર્યું હોય...

પણ... મમ્મી એ ટહુંકો તો ત્યાજ રહી ગયો...!!!
એક અલ્લડ દીકરી જેને તમે કેટલા લાડ લડાવતા...
એ અલ્લડતા તો ત્યાજ ક્યાંક રહી ગઈ....!!!
મમ્મી.... આજે થોડીવાર થોડી પળ પણ જો સમય પાછો ફરે.... પાછુ તમારા ખોળામાં આવી જવાનું મન થાય છે...!!!