દાદાજી ના ચશ્માં



આંખોની સાવ સામે જ રહેવાનું, અને છતાં પણ આંખોના આંસુઓ લૂછી ન શકાય ! ચશ્માં નો એવો પાડોશી ધર્મ શું કામ નો ? દાદાજી ના ચશ્માં આજે દાદાજી કરતા વધારે લાચાર છે કારણ કે દાદાજી ના ચશ્માં, તેમની નીચેથી પસાર થઇ જતાં આંસુઓને એક પ્રેક્ષકની જેમ જોયા કરે છે.
આ ચશ્માં થી હવે, આ ઉંમરે દાદાજી ના આંસુઓ જોવાતા નથી. એ વાત દાદાજી ને તો ખબર છે, એટલે જ રડતી વખતે, દાદાજી ચશ્માં ને ઉતારી ને બાજુ પર મૂકી દે છે.

કેટલા આંસુઓ ની નિકાસ થઇ અને કેટલા ડૂસકાંઓ આયાત થયા, એનો સઘળો હિસાબ, દાદાજી ના ચશ્માં રાખે છે.

દાદાજી ના કાન હવે સાંભળી શકતા નથી. તેમ છતાં દાદા એ કાન રાખી મુક્યા છે, ચશ્માં ટીંગાડવા માટે !

ચશ્માં પહોળા થઇ ને બંને પગ, દાદાજી ના કાન ઉપર રાખે છે અને માથું દાદાજી ના નાક ઉપર. આખો દિવસ આ ચશ્માં, દાદા ના ચેહરા ઉપર જ પડ્યા-પાથર્યા રહે છે. કદાચ, દાદાજી ને ચશ્માં ની ગરજ છે, એ વાત હવે ચશ્માં ને પણ સમજાઈ ગઈ છે. ચશ્માં ને ખાત્રી છે કે દાદા એમને શોધી જ લેશે, એટલે જ તેઓ દાદા સાથે સંતા કુકડી રમે છે.

છાપું વાંચતા-વાંચતા, દુનિયાભર ની ખબરો, દાદાજી એમના ચશ્માં સાથે share કરે છે. દાદાજી બધું સમજી શકે છે પણ વાંચી શકતા નથી, અને ચશ્માં નો કાચ બધું વાંચી શકે છે પણ સમજી શકતો નથી. બંને ને એકબીજા ની જરૂર છે. જે આંખો એ આજ સુધી ખૂલ્લી તલવાર જેવી ઝીંદગી, કોઈ પણ ઢાલ વગર વાંચી નાંખી, આજે એ જ આંખો ને એક અખબાર વાંચવા માટે ચશ્માં ની જરૂર પડે છે.

અવસાન નોંધ વાંચતી વખતે, દાદા ખુબ ગંભીર થઇ જાય છે........ ત્યારે ચશ્માં ને સાલો doubt આવે છે કે ક્યાંક એમાં દાદાજી નું નામ તો નથી ને ? દાદાની ચિંતા ભલે બીજા કોઈ ને ન હોય, ચશ્માં ને તો હોય ને !

દાદાજી ના ચશ્માં ને એના પારદર્શક હોવાનો ક્યારેક અફસોસ થાય છે કારણ કે, દાદાજી ની લાચારી વાળી આંખો તેઓ ઢાંકી શકતા નથી. અખબાર બિચારું , દાદા ની લાચાર આંખો વાંચી ને, શરમ નું માર્યુ પોતાનું એ પાનું ફેરવી નાંખે છે જેમાં વૃદ્ધાશ્રમ ની જાહેરાત છે. ચશ્માં ની જેમ અખબાર ને પણ ખબર છે, કે દાદા રોજ નું એક અખબાર ખરીદી શકે, બસ, એટલાં જ સમૃદ્ધ છે.

દર મહિના ના અંતે, છાનાં માના દાદા જયારે પેન્શન ની નોટો ગણે છે, ત્યારે ચશ્માં ને તો ખબર છે એ નોટો માં ભીનાશ કેમ હોય છે ?

દાદાજી ની eye-sight હવે નબળી થઇ ગઈ છે, એટલે જ હવે દાદા એ સપનાઓ જોવાનું પણ માંડી વાળ્યું છે.

દાદાજી એ ચશ્માં ઉપર વાયપર લગાડ્યા નથી, કારણ કે ઘર ની અંદર ભેજ ટપકતો હોય તો બારીઓ લૂછવાનો શો અર્થ? ચશ્માં ની બહાર, એવો વરસાદ પણ ક્યાં આવે છે કે એની વાછંટ દાદાની આંખો ને પલાળી જાય ?

જતી ઉંમરે પણ દાદા ને જિંદગી પ્રત્યે ખુબ જ વ્હાલ છે...... કારણ કે, દાદાને કોઈ ‘દાદા’ કહેવા વાળું છે.
આ ‘દાદા’ શબ્દ સાંભળવા માટે, દાદાજી પોતાની વૃદ્ધાવસ્થા સાથે દરેક compromise કરવા તૈયાર છે.
એ વાત નું તો દાદાજી ના ચશ્માં ને પણ ગૌરવ છે કે.......... જયારે કોઈ ‘દાદા’ કહી ને, દાદા તરફ દોડતું આવે છે અને જીર્ણ થઇ ગયેલા દાદા જયારે એને તેડી લે છે ત્યારે દાદાની આંખો as usual આંસુઓ ના છબછબિયાં કરે છે. પણ દાદાજી ના એ આંસુઓ, દાદાને પણ ખૂબ ગમે છે અને ચશ્માં ને પણ.
after all, ચશ્માં પણ દાદાજી ને તો ‘દાદા’ જ કહીને બોલાવે છે ને !
(દરેક કાચ ની આરપાર દાદાજી ના આંસુઓ જોઈ શકાય. પછી એ ચશ્માં નો કાચ હોય કે ફોટો ફ્રેમ નો !)

No comments: