મારા નિશાળ ના દિવસો

આ એ દિવસોની વાત છે જયારે શર્ટ ઉપર રહેલા કોલરને જાણ પણ નહોતી કે ઊંચા કઈ રીતે રહેવાય. આ એ દિવસોની વાત છે જયારે ખિસ્સામાં એક-બે રૂપિયાના સિક્કા અને ચણીબોર રહેતા. આ નિશાળ ના દિવસો ની વાત છે. આ એ દિવસો ની વાત છે જયારે શાળા ની બહાર મળતા તીખા કાકડી-ભૂંગળા અને પેપ્સી કોલા આપણા STAPLE DIET હતાં.

આપણી પાસે પેન્સિલ હોય તો પણ, વર્ગખંડ માં ગમતી છોકરી પાસે થી , જે પેન્સિલ તે છોકરી વાપરે છે, એ જ પેન્સિલ માંગવાની ! અને પેલી ગમતી છોકરી એ પેન્સિલ આપી દે , તો મિત્રો માં વટ પડી જતો, એ દિવસો ની વાત. ટૂંક માં કહું, તો સ્વર્ગ ની વાત. નિશાળ ની વાત.

કોઈ પણ કામ શરુ કરતા પહેલાં, આપણને ગાતા આવડે કે ન આવડે, આપણે હંમેશા કશુંક ગાઈ લેતાં. usually, આપણે એને પ્રાર્થના કહેતા. પ્રાર્થના કેહવાની ન હોય, એ તો ગાવાની હોય. પ્રાર્થના ગાવાની શરૂઆત, કોઈ મંદિર માં નહી, નિશાળ માં થઇ. નિશાળે પ્રાર્થના શીખવી છે એટલે જ નિશાળે ઈશ્વર સુધી જવાનો સૌથી ટૂંકો રસ્તો બતાવ્યો છે. તો પછી, નિશાળ તો મંદિર જ કેહવાય ને !

નિશાળની ટેકરીઓ ચઢતા, ત્યારે નિશાળે indirectly કહી દીધેલું કે નિશાળની બહાર નીકળીને ઘણા બધાં કપરા ચઢાણો તમારી રાહ જુએ છે, પણ ત્યારે નિશાળ એવું તો કશું બોલી જ નહી.....કે એ કપરા ચઢાણોમાં નિશાળ આપણી સાથે નહી હોય. 

ચાલુ વર્ગખંડે, બાજુ માં બેઠેલા એક મિત્રની comment ઉપર, આપણી સાથે ખડ ખડાટ હસી પડતી નિશાળ ને યાદ કરી ને........ભવિષ્ય માં આપણને રડવું પણ આવશે, એવું તો નિશાળે કહેલું નહી.
નિશાળ માં ઘરેણાં પહેરી ને જવાની મનાઈ હતી.....પણ નિશાળ પોતે જ , રોજ આપણ ને અઢળક સોનાની વસ્તુઓ આપતી. મારા સોનેરી દિવસો, નિશાળના વર્ગખંડના પ્રથમ બાંકડાની નીચે ( જ્યાં ચોપડીઓ રાખતા ત્યાં ) મેં સાચવીને રાખેલા. નિશાળમાં થી નીકળતી વખતે, એ સોનેરી દિવસોને દફતરમાં મુકવાનું પણ નિશાળે મને યાદ કરાવ્યું નહી.

નિશાળ ને એમ કે એ દિવસો ને યાદ કરી ને હું રડીશ. મારા એ દિવસો, નિશાળે પોતાની પાસે જ રાખી લીધા કારણ કે કોઈ પણ વાત ઉપર હું રડું એ મારી નિશાળ ને આજે પણ મંજુર નથી. આ નિશાળ એનું માતૃત્વ ક્યારેય છોડશે નહી. કન્યા વિદાય ની જેમ, નિશાળે જયારે મને વિદ્યાર્થી વિદાય આપેલી, ત્યારે એ દિવસે મારા કરતા વધારે મારી નિશાળ રડેલી. મે નિશાળને ખુબ વિનંતી કરી છતાં પણ , મને દહેજ માં ફક્ત શિક્ષણ જ આપ્યું, શિક્ષકો નહી. મારે તો શિક્ષકો પણ સાથે લઇ જવા’તા. 

નિશાળે એટલાં બધાં સુંવાળા મિત્રો આપ્યા કે ખરબચડા લોકો કોને કેહવાય ? એની ખબર પણ પડવા ન દીધી. 

નિશાળ ના દરવાજાની બહાર, લોકો છરી-કાંટા અને તલવારો લઇ ને ઉભા હશે, એવી કોઈ જ WARNING નિશાળે આપેલી નહી. જો નિશાળ સારી હોય, તો સમાજ કઈ રીતે ખરાબ હોઈ શકે ? હશે, સમાજ ના સંજોગો ખરાબ હશે, બાકી INTENTIONALLY, કોઈ માણસ ક્યાં ખરાબ હોય છે? આવી વાત નિશાળે જ શીખવેલી.

દફતર માં ભલે ચોપડાઓ નું વજન હતું, પણ જવાબદારીઓ નું નહોતું એટલે દફતર હળવું લાગતું. 

ત્યારે શિક્ષકો એ પણ અમને એવું તો કીધું જ નહી, કે અમે સમાજ ઘડીએ છીએ. નક્કી, શિક્ષકો MODEST હોવા જોઈએ, બાકી જે લોકો દેશ ઘડતા હોય, એમને સમાજ ની ખબર ન હોય, એવું તો ન બને. 

આપણી નિશાળને ખબર તો હશે ને કે હવે આપણે પણ ડોક્ટર, એન્જીનીયર કે બહુ મોટા માણસ બની ગયા છીએ. નિશાળ આપણા ઉપર ગૌરવ લેતી હશે ને ! તો આપણે કેમ નિશાળ ઉપર ગૌરવ નથી લેતાં? કદાચ નિશાળે જ આપણ ને લેવા નું નહી, હંમેશા આપવાનું શીખવાડ્યું છે.

દફતર ના આગળ ના ખાના માં, નિશાળે જે થોડી ઘણી સંવેદનાઓ આપી હતી એ હજુ સુધી સાચવી ને રાખી છે, બાકી આજ ના જમાના માં માણસાઈ કેટલી બધી મોંઘી થઇ ગઈ છે ? અને તાત્કાલિક મળે છે પણ ક્યાં? બુકિંગ કરાવવું પડે છે. 

ફરી પાછા એ દિવસો ની સાક્ષીએ, મારી નિશાળે જે શીખવેલું, એને જ જીવવાનો પ્રયત્ન કરું છું કે બધાં લોકો સારા છે. કોઈ ખરાબ છે જ નહી. દરેક જણ માં ઈશ્વર છે, એની જાણ ભલે દરેક જણ ને હોય. જેને ગંદકી કરવી છે એને કરવા દો ને. એમના માં રહેલો ઈશ્વર એમને માફ કરે કારણ કે તેઓ જાણતા નથી કે તેઓ શું કરે છે ? 

મારો ઈશ્વર આજે પણ શાળા નો ગણવેશ પહેરી ને, પ્રથમ બાંકડે બેસે છે. મારા ઈશ્વર ને આજે પણ શિક્ષણ પ્રથા માં વિશ્વાસ છે. મારા ઈશ્વર ને આજે પણ શ્રદ્ધા છે કે સમાજ સારો બનશે. કારણ કે, આવું બધું જો હું કે મારો ઈશ્વર કે મારી નિશાળ નહી વિચારે..... તો વિચારશે કોણ ? 

AT THE END OF THE DAY, મારા થી જ તો સમાજ બને છે.

No comments: