શબ્દો રહ્યા રમત રહી


શબ્દો રહ્યા રમત રહી, ને એક લત રહી
ખોયો મિજાજ સત ગયું, બસ શેરિયત રહી
ભીડાયેલી હથેળીઓમાં થોડી બચત રહી
પણ આંગળીઓ જિંદગીભર જડભરત રહી
હેતુ ભુલાયો, શત્રુની ઓળખ નહીં રહી
શસ્ત્રોય બૂઠાં થઇ ગયાં તોપણ લડત રહી
બસ ફેરવી નજર જેને લોકો ભૂલી ગયા
હાથોમાં કાવ્યની એક હસ્તપ્રત રહી
વરસાદ મન મૂકીને વરસતો રહ્યો સતત
ખારાશ સાગરોની છતાં પૂર્વવત રહી
જીવી શક્યા નહીં તો ગઝલમાં ભરી લીધી
ક્ષણ ક્ષણને માણવાની રમત કારગત રહી

No comments: