અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા,
પ્રભો અંતર્યામી જીવન જીવના દીનશરણા,પિતા માતા બંધુ, અનુપમ સખા હિતકરણા;પ્રભા કીર્તિ કાંતિ, ધન વિભવ સર્વસ્વ જનના,નમું છું, વંદું છું, વિમળમુખ સ્વામી જગતના.
સૌ અદભૂતોમાં તુજ સ્વરૂપ અદભૂત નીરખું,મહા જ્યોતિ જેવું નયન શશીને સૂર્ય સરખું,દિશાઓ ગુફાઓ પૃથ્વી ઊંડું આકાશ ભરતો,પ્રભો એ સૌથીએ પર પરમ હું દૂર ઊડતો.
પ્રભો તું આદિ છે શુચિ પુરૂષ પુરાણ તું જ છે,તું સૃષ્ટિ ધારે છે, સૃજન પલટયે નાથ તું જ છે,અમારા ધર્મોને અહર્નિશ ગોપાલ તું જ છે,અપાપી પાપીનું શિવ સદન કલ્યાણ તું જ છે.
પિતા છે અકાકિ જડ સકળને ચેતન તણો,ગુરૂ છે મોટો છે જનકૂળ તણો પૂજ્ય તું ઘણો,ત્રણે લોકે દેવા નથી તું જે સમો અન્ય ન થશે,વિભુરાયા તુંથી અધિક પછી તો કોણ જ હશે.
વસે બ્રહ્માંડોમાં, અમ ઉર વિષે વાસ વસતો,તું આઘેમાં આઘે, પણ સમીપમાં નિત્ય હસતો,નમું આત્મા ઢાળી, નમન લળતી દેહ નમજો,નમું કોટિ વારે, વળી પ્રભુ નમસ્કાર જ હજો.
અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા,ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા;મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ ! લઈ જા,તું-હીણો હું છું તો તુજ દરશનાં દાન દઈ જા.
પિતા ! પેલો આઘે, જગત વીંટતો સાગર રહે,અને વેગે પાણી સકળ નદીનાં તે ગમ વહે;વહો એવી નિત્યે મુજ જીવનની સર્વ ઝરણી,દયાના પુણ્યોના, તુજ પ્રભુ ! મહાસાગર ભણી.
થતું જે કાયાથી, ઘડીક ઘડી વાણીથી ઊચરું,કૃતિ ઇંદ્રિયોની, મુજ મન વિશે ભાવ જ સ્મરું;સ્વભાવે બુદ્ધિથી, શુભ-અશુભ જે કાંઈક કરું,ક્ષમાદષ્ટે જોજો, – તુજ ચરણમાં નાથજી ! ધરું.
No comments:
Post a Comment